ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પરખના મત પરખને મેં કોઈ અપના નહીં રહતા,
કિસી ભી આઇને મેં દેર તક ચેહરા નહીં રહતા.
મોહબ્બત એક ખુશબૂ હૈ હમેશા સાથ ચલતી હૈ,
કોઈ ઇન્સાન તન્હાઈ મેં ભી તન્હા નહીં રહતા.
-બશીર બદ્ર
માણસ કેવો હોય છે? કોઈ માણસ સારો હોય છે તો કોઈ ખરાબ, કોઈ સ્વાર્થી, કોઈ ઉદાર, કોઈ લુચ્ચો, કોઈ કાયર, કોઈ બહાદુર, કોઈ ઉમદા, કોઈ બોગસ, કોઈ જિંદાદિલ, કોઈ બુઝદિલ, કોઈ પ્રેમાળ, કોઈ કાળઝાળ, કોઈ સીધો તો કોઈ મીંઢો, કોઈ પ્રેમ કરવા જેવો તો કોઈ નફરતને પણ લાયક નહીં, કોઈ સ્પર્શે એવો તો કોઈ દઝાડે એવો, કોઈ તરબતર તો કોઈ સૂકો ભઠ્ઠ, કોઈ લથબથ તો કોઈ સાવ કોરોકટ્ટ, કોઈ ચંચળ તો કોઈ ચકોર, કોઈ આગ જેવો તો કોઈ બાગ જેવો, ગમે તેવો હોય પણ અંતે તો માણસ માણસ હોય છે. કૂંપળ ફૂટે, છોડ બને, ફૂલ ઊગે ત્યાં સુધીમાં એના રંગોમાં કેટલાં પરિવર્તન આવતાં હોય છે? બાળક જન્મે, મોટું થાય, સમજણ આવે પછી એ માણસ થાય છે. કેવો છે એ તો એની પ્રકૃતિના આધારે નક્કી થતું હોય છે. એના કરતાં પણ આપણને થયેલા એના અનુભવના આધારે નક્કી થતું હોય છે!
તમને કોઈ માણસ ગમે છે તો એ શા માટે ગમે છે? કોઈ તમને ગમતું નથી તો એની પાછળ કયું કારણ જવાબદાર હોય છે? ગમવા પાછળનાં કદાચ કોઈ કારણો ન મળે, પણ ન ગમવા પાછળનાં ચોક્કસ કારણો હોય છે. ક્યારેક તો કોઈ માણસ આપણને કોઈ કારણ વગર નથી ગમતો. એ સામે આવે તો પણ આપણને અસુખ લાગે છે. એણે આપણું કંઈ બગાડ્યું હોતું નથી તો પણ આપણે એને ગમાડતા નથી. એવા સમયે એના ગુણો કે અવગુણો નહીં, આપણા પૂર્વગ્રહો આપણને નડતા હોય છે. આપણી જિંદગીમાં ઘણા એવા લોકો હોય છે જે આપણને પહેલાં ગમતા હોતા નથી. જેમ એની નજીક જઈએ, જેમ એને ઓળખીએ તેમ ખબર પડે કે યાર, આ તો સારો માણસ છે. કેટલાક પહેલી નજરે સારા લાગે છે. આપણે તેનાથી આકર્ષાઈએ છીએ. સમય જાય પછી ખબર પડે કે આની દાનત તો ખોરા ટોપરા જેવી છે.
માણસોની બાબતમાં આપણે બહુ ‘જજમેન્ટલ’ બની જતા હોઈએ છીએ. કોઈને મળવાનું હોય તો પહેલાં એના વિશે તપાસ કરી લઈએ છીએ. સોશિયલ મીડિયા પર એની પ્રોફાઇલ ચેક કરી લઈએ છીએ. આપણે એના પરથી એ માણસની એક ઇમેજ બનાવી લઈએ છીએ. જ્યારે આપણે તેને મળીએ છીએ ત્યારે તેને નથી મળતા, પણ આપણા મનમાં બનેલી તેની ઇમેજને મળતા હોઈએ છીએ. ‘પ્રિડિસાઇડેડ માઇન્ડ’ આપણને દોરવતું રહે છે. બાય ધ વે, તમે કોઈ માણસને કેવી રીતે મળો છો?
એક યુવાનની આ વાત છે. એક કામ સબબ તેને એક યુવતીને મળવાનું હતું. એના વિશે તપાસ કરી. એક નંબરની માથાફરેલી છે એવું એને જાણવા મળ્યું. એ યુવતીને મળવા ગયો ત્યારે એ બહુ એલર્ટ હતો. મુલાકાત આગળ વધી. એ છોકરાના મનમાં જે ઇમેજ હતી તેનાથી તદ્દન જુદું જ તેનું વર્તન હતું. છૂટા પડતી વખતે એ યુવાને યુવતીને કહ્યું કે, મેં તમારા વિશે તો જુદું જ સાંભળ્યું હતું, પણ તમે સાવ જુદાં છો! પેલી યુવતીએ કહ્યું, મેં તમારા વિશે કંઈ જ જાણ્યું ન હતું, કોઈ તપાસ કરી નહોતી, કોઈને પૂછ્યું નહોતું! હું જજમેન્ટલ નથી બનતી, સામા માણસના વર્તનને જોઈને વ્યવહાર કરું છું, ખુલ્લા દિલે મળું છું, મને યોગ્ય લાગે તેવું વર્તન કરું છું. તમે મને જજ કરીને આવ્યા હતા. માણસ વિશેનાં આપણાં જજમેન્ટ સાચાં નથી હોતાં! સાચાં હોય તો પણ માણસ એક વ્યક્તિ સાથે વર્તન કરે એવું જ વર્તન બીજા સાથે પણ કરે એ જરૂરી નથી.
માણસ સાથેના સંબંધમાં સાવચેતી રાખવી જોઈએ? બિલકુલ રાખવી જોઈએ, અલબત્ત, એના માટે પહેલેથી જ કંઈ નક્કી કરી લેવાની જરૂર હોતી નથી. માણસને ઓળખવામાં બહુ ઉતાવળ ન કરવી. એનું સૌથી મોટું કારણ એ છે કે માણસ વહેલો કે મોડો જેવો હોય એવો ઓળખાઈ જતો હોય છે. માણસ વર્તાઈ આવે છે. માણસ થોડીક વાર નાટક કરી શકે. કોઈ પાવરધો હોય તો લાંબો સમય નાટક કરી શકે, પણ માણસ આખી જિંદગી નાટક કરી ન શકે. ઓરિજિનાલિટી બહાર આવ્યા વગર રહેતી નથી. દરેક માણસમાં થોડુંક બેઝિક હોય છે. બેઝિક ક્યારેય બદલતું નથી. આપણું દિલ આપણે જેવા હોઈએ એવું વર્તન કરવા આપણને મજબૂર કરતું હોય છે. સારો માણસ સારો જ રહેવાનો છે. એ ધારે તો પણ અમુક હદથી વધુ ખરાબ થઈ ન શકે. ખરાબ માણસને ગમે એટલો પ્રયાસ કરો તો પણ તમે સારા ન બનાવી શકો. અમુક માણસમાં પરિવર્તન થતું હોય છે. માણસને જો કોઈ બદલાવી શકે તો એ પ્રેમ, લાગણી, સ્નેહ અને શ્રદ્ધા છે. આમાં પણ એ શરત તો ઊભી જ રહે છે કે આ બધું એને સ્પર્શવું જોઈએ. સુતરાઉ કાપડ પાણીથી ભીનું થાય, પ્લાસ્ટિક નહીં! પ્લાસ્ટિકના છોડને ગમે એટલું પાણી પીવડાવો તો એમાં જરા સરખો પણ સંચાર થવાનો નથી.
આ બધા વચ્ચે એક સત્ય એ પણ છે કે, આપણને બધા વગર ચાલશે, પણ માણસ વગર ચાલવાનું નથી. આપણને એવી વ્યક્તિની જરૂર હોય છે જેને આપણે કહી શકીએ કે આ મારી વ્યક્તિ છે કે આ મારો છે. કોઈ એવી વ્યક્તિ જેની સાથે આપણે હસી, રડી અને લડી શકીએ. આપણે વાત કહેવી હોય છે. આપણે વાત સાંભળવી હોય છે. આ દુનિયામાં સૌથી કમનસીબ એ છે જેની પાસે ભરોસો મૂકવા જેવી કોઈ વ્યક્તિ નથી. તમે આંખ મીંચીને ભરોસો મૂકી શકો એવું તમારી લાઇફમાં કોણ છે? એને કહેવામાં વાંધો નહીં, એની પાસેથી કોઈ વાત બહાર જાય નહીં, એ મારું કોઈ દિવસ બૂરું ઇચ્છે નહીં! જો તમારી પાસે આવી વ્યક્તિ હોય તો એને સાચવી રાખજો. બધાંનાં નસીબમાં આવી વ્યક્તિ હોતી નથી. ‘હમસફર’ ઘણા હોય છે, ‘હમરાઝ’ બહુ ઓછા હોય છે. હવે થોડોક જુદી રીતે વિચાર કરો. તમે કોઈ માટે એવી વ્યક્તિ છો, જે તમારા પર આંધળો ભરોસો મૂકી શકે? જો હોય તો એ સંબંધની ગરિમા જાળવજો. ભરોસાનો એક ધર્મ હોય છે. વિશ્વાસની બહુ મોટી વેલ્યૂ હોય છે, શ્રદ્ધામાં ગળા સુધીની ખાતરી હોય છે. ભરોસો તૂટે ત્યારે અંદર કંઈક તૂટે છે. એક વિસ્ફોટ થાય છે અને પછી સન્નાટો છવાઈ જાય છે. એમ થાય છે કે, દુનિયામાં કોઈ જ ભરોસાપાત્ર નથી! આપણે જેને પોતાની વ્યક્તિ માની હોય એ જ આવું કરે તો પારકાં સામે શું ફરિયાદ કરવી?
તમને ક્યારેય અંગત વ્યક્તિનો ખરાબ અનુભવ થયો છે? એણે તમારો ભરોસો તોડ્યો છે? તમારી સાથે છેતરપિંડી કરી છે? તમારી સામે જ ગેમ રમ્યા છે? તમારી સિક્રેટ વાત છતી કરી દીધી છે? હા, બનવાજોગ છે કે તમારી સાથે આવું થયું હોય. દરેક સાથે નાનું કે મોટું, આવું થતું હોય છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે ઓફિસમાં એક યુવાન કામ કરે. બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ. એકબીજાની દરેક વાત બંનેને ખબર હોય! મજાકમાં અને રમતમાં બંને ગમે તેનાં નામ લઈ ઠઠ્ઠા-મશ્કરી કરે. એક દિવસ ઓફિસના બોસે તેને બોલાવી ખખડાવી નાખ્યો. તું મારા વિશે આવું બોલે છે? તેને આઘાત લાગ્યો. બોસે ખખડાવ્યો એનો નહીં, પણ જેના ઉપર આંખો મીંચીને ભરોસો મૂક્યો હતો એ મિત્ર પર! શું મળી ગયું એને? બોસનો લાડકો થઈ ગયો એ જ ને! કદાચ થોડોક ફાયદો પણ થઈ જાય! ભરોસા કરતાં એની કિંમત વધારે છે?
વિશ્વાસઘાત થાય ત્યારે આઘાત લાગે છે. એમ થાય છે કે હવે કોઈની સાથે કંઈ શેર જ કરવું નથી. આ વાત પણ વાજબી નથી. દુનિયામાં બધા માણસો એકસરખા હોતા નથી. સારા લોકોની પણ આ દુનિયામાં કમી નથી. એક છોકરીની વાત છે. તેના બે-ત્રણ બોયફ્રેન્ડ હતા. ધીમે ધીમે એને ખબર પડી કે એ તો બદમાશ છે. બધાં સાથે બ્રેકઅપ થઈ ગયાં. એ પછી એક નવા છોકરા સાથે એની મુલાકાત થઈ. એ નક્કી કરી શકતી ન હતી કે આની સાથે દોસ્તી રાખું કે નહીં? એની ફ્રેન્ડ સાથે આ મુદ્દે ચર્ચા થઈ. તેણે કહ્યું કે કોઈ ઉપર ભરોસો જ ન મૂકવો એ વાજબી વાત નથી. એક વાત યાદ રાખજે કે એ જેવો હશે એવો વહેલો કે મોડો વર્તાઈ આવશે. હા, સંબંધમાં એક વાત યાદ રાખવાની હોય છે કે ઉતાવળ ન કરવી. માણસને સમજવો અને જાણવો, બાકી એ ઓળખાઈ તો જવાનો જ છે!
એક સવાલ એ પણ થાય કે માણસ ઓળખાઈ જાય એ પછી શું? ઓળખાઈ જાય પછી ક્યાં બ્રેક મારવી, ક્યાં સ્લો થવું અને ક્યાં રોકાઈ જવું એ નક્કી કરવાનું હોય છે. સંબંધમાં દુ:ખી થવું ન હોય તો એટલી સમજણ જરૂરી છે કે, ‘એન્ડ’ કરવાનો હોય ત્યારે અચકાવું નહીં. દુનિયામાં દરેક માણસ ભરોસાપાત્ર હોય છે, પણ અનુભવ ન થાય ત્યાં સુધી રાહ જોતા આવડવું જોઈએ. આંખો મીંચીને નહીં, પણ આંખો ખુલ્લી રાખીને શ્રદ્ધા મૂકો, દિલને ભરોસો બેસી જાય કે અહીં ડરવા જેવું કંઈ જ નથી પછી આંખો મીંચજો. આંખો ત્યારે જ મીંચવી જોઈએ જ્યારે દિલના દરવાજેથી બધું ચોખ્ખુંચટ દેખાતું હોય!
છેલ્લો સીન :
જક્કી માણસ અભિપ્રાયો ધરાવતો નથી, પણ અભિપ્રાયો એને જકડી રાખતા હોય છે. –પોપ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 માર્ચ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)